આત્મજ્ઞાન


અનંત કાળથી અનંત લક્ષ વીંધાયા, કિંતુ ‘પોતે કોણ છે’ એ જ લક્ષ ના સધાયું. સાચો માર્ગ જ ‘હું કોણ છું’ની શોધનો છે અગર તો તે રસ્તો ચીંધનારા ય સાચા માર્ગ તરફ કહેવાય. પેપર પર પેઇન્ટ કરેલો દીવો પ્રકાશ ના આપે, માત્ર દીવાની રૂપરેખા જ આપી જાણે. પ્રકાશ તો પ્રત્યક્ષ, પ્રગટ દીવો જ પાથરે ! અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રગટ પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ થકી જ શક્ય છે. તમામ શાસ્ત્રો એકી અવાજે બોલી ઊઠયાં, ‘આત્મજ્ઞાન જાણો’ પણ રે ! એ શાસ્ત્રમાં નથી સમાયું, એ તો જ્ઞાનીના હ્રદયમાં સમાયેલું છે.

અનંત પ્રાકૃત અવસ્થાઓમાં અટવાયેલો નિજછંદે કઇ રીતે તેમાંથી બહાર નીકળી આત્મરૂપ થાય ?! જે જે ક્રિયા કરીને, તપ, જપ, ધ્યાન, યોગ, સામાયિક કરીને સ્થિરતા પ્રાપ્ત કરવા જાય તે તો સ્વભાવે જ ચંચળ છે, તે શી રીતે સ્થિર બને ? ‘દરઅસલ આત્મા’ સ્વભાવથી જ અચળ છે એટલી જ સમજણ ફીટ કરી લેવાની છે !


આત્માની આરાધના જ્ઞાનીની આજ્ઞા વિના થવી અશક્ય છે ! ‘જ્ઞાની’ તો સંજ્ઞાથી સાનમાં સમજાવી દેવાની ક્ષમતા ધરાવે ! જે શબ્દ સ્વરૂપ નથી, જયાં શબ્દની જરૂર નથી, જયાં કોઇ માધ્યમ નથી, જે માત્ર સ્વભાવ સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે, એવા આત્માનું અનંત ભેદે આત્મ વિજ્ઞાની એવા ‘જ્ઞાની પુરુષ’ સિવાય કોઇ લક્ષ બેસાડી શકે તેમ નથી.


મરણના ભયને લીધે કોઇ જાતે દવાનું મિક્ષ્ચર બનાવી પીતો નથી. ને અહીં આત્માની બાબતમાં જાતે મિક્ષ્ચર બનાવી અનંત ભવનું મરણ નોંતરે છે ! આ જ સ્વચ્છંદ, બીજુ શું?


આત્મા જ્ઞાનસ્વરૂપ નહીં, વિજ્ઞાન સ્વરૂપ છે. આત્મવિજ્ઞાન જાણે તે ‘એબ્સોલ્યુટ’ આત્મા પામે. ભૌતિક વિજ્ઞાન વરસોનાં વરસો વિતાવડાવે, તો ય કામ ના થાય ને આત્મવિજ્ઞાન તો અંતઃમુહૂર્તમાં પણ ‘એબ્સોલ્યુટ’ બનાવે !


ધાતુઓનાં મિશ્રણનું વિભાજન પ્રત્યેકના ગુણધર્મના જ્ઞાનના આધારે થાય. તેવી જ રીતે આત્મા-અનાત્માના મિશ્રણનું વિભાજન બન્નેના ગુણધર્મ જે જાણે તે જ પુરુષ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા કરી શકે.


અનાદિથી વિનાશી વસ્તુઓ તરફ વળેલી દ્રષ્ટિને ‘જ્ઞાની પુરુષ’ નિજના અવિનાશી સ્વરૂપ તરફ વાળી આપે જે ફરી ક્યારેય ત્યાંથી વિખૂટી ના પડે ! દ્રષ્ટિફેરથી જ સંસાર ખડો રહ્યો છે ! જ્ઞાનીની દિવ્યાતિદિવ્ય દેણ છે કે તેઓ અંતઃમુહૂર્તમાં આત્મદ્રષ્ટિ કરી આપે, દિવ્ય દ્રષ્ટિ આપે જે સ્વ-પરના આત્મસ્વરૂપને જ ભાળે. દ્રષ્ટિ દ્રષ્ટામાં સ્થિર કરી આપે. પછી પોતાને ખાતરી થાય કે ‘હું શુધ્ધાત્મા છું !’ દ્રષ્ટિ પણ બોલતી થઇ જાય કે ‘હું શુધ્ધાત્મા છું’ બન્નેનો ભેદ તૂટે ને અભેદ થઇ જાય !


દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યાં સમગ્ર દર્શન ખુલ્લું થાય. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, દ્રષ્ટિ સ્વભાવસન્મુખ થાય એટલે પોતાને પોતાના દર અસલ શુધ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય, પછી દ્રષ્ટિ ને દ્રષ્ટા ઐક્યભાવમાં આવી જાય ! આત્મદ્રષ્ટિ ત્યાં નિરાકૂળતા, આત્મદ્રષ્ટિથી મોક્ષનાં દ્વાર ખૂલે ! દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિથી સંસાર સર્જાય. શુધ્ધ જ્ઞાન કે જે નિરંતર વિનાશી-અવિનાશી વસ્તુઓનું ભેદાંકન કરી યથાર્થ દેખાડે, અને એ જ પરમાત્મા છે !


સંસાર વ્યવહાર ક્રિયાત્મક ને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક હોવાને કારણે બન્ને સર્વકાળ ભિન્નપણે જ વર્તે છે. એકની ક્રિયા છે ને બીજાનું જાણપણું છે. કરનારો અહંકાર ને જાણનારો શુધ્ધાત્મા આટલો જ ભેદ જે પામી ગયો તેનો સંસાર આથમી ગયો. જેને એ ભેદ પામવો હોય ને ‘જ્ઞાની પુરુષ’ ના મળ્યા હોય તો ‘હે ભગવાન ! જ્ઞાન તમારું ને ક્રિયા મારી.’ આ પ્રાર્થના મહીંલા ભગવાનને સતત કર્યા કરે, તો ય ભગવાન એક દહાડો તેને ભેગા થયા વગર રહે નહીં !


પોતે આત્મા થયા વિના જ્ઞાતા દ્રષ્ટા શી રીતે કહેવાય ? જયાં સુધી નિજ સ્વરૂપનું ભાન ના થાય, ત્યાં સુધી જ્ઞાતા-દ્રષ્ટાપણું ઇન્દ્રિયજ્ઞાનને આધારે છે, અતીન્દ્રિયજ્ઞાનને આધારે જ યથાર્થ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં અવાય. જ્ઞાન અને આત્મા અભેદસ્વરૂપે છે. મિથ્યાદ્રષ્ટિ ઊઠી સમ્યક્ દ્રષ્ટિ થાય ત્યારે યથાર્થ જ્ઞાનનું સ્વરૂપ સમજાય, જે પછી ‘જ્ઞાની પુરુષ’ના સત્સંગ દ્વારા ફીટ થતાં થતાં જ્ઞાન-દર્શન વધતું વધતું પ્રવર્તનમાં આવે ને કેવળ આત્મપ્રવર્તનમાં આવે, જ્ઞાન-દર્શન સિવાય બીજુ કંઇ જ પ્રવર્તન જયાં નથી, તે કેવળજ્ઞાન. જગતમાં જે જ્ઞાન ચાલે છે. મંત્ર, જપ, શાસ્ત્રજ્ઞાન, ધ્યાન, યોગ, કુંડલિની,એ બધાં ઇન્દ્રિયજ્ઞાન છે, ભ્રાંતિ જ્ઞાન છે એનાથી સંસારમાં ઠંડક રહે, મોક્ષ તો અતીન્દ્રિયજ્ઞાનથી છે ! શાસ્ત્રજ્ઞાન એટલે શ્રુતજ્ઞાન કે સ્મૃતિજ્ઞાન, આત્મજ્ઞાન નહીં. પુસ્તકમાં કે શબ્દમાં ચેતન નથી, હા સ્વયં પરમાત્મા જયાં પ્રગટ થયા છે એવા જ્ઞાનીની કે તીર્થંકરોની વાણી પરમાત્માને સ્પર્શીને નીકળેલી હોવા કારણે આપણા સૂતેલા ચેતનને જગાડે !


‘સર્વધર્માન્ પરિત્યજય, મામેકં શરણં વ્રજ.’ – દેહના ધર્મો, મનના ધર્મો, વાણીના ધર્મો કે જે પરધર્મ છે, ભયાવહ છે, તે બધાને છોડી એક મારા એટલે કે આત્માના ધર્મમાં આવ. મારા એટલે જે મુરલીવાળા દેખાય છે તેમનાં નહીં, પરંતુ મહીં બેઠેલા પ્રગટ પરમાત્મ સ્વરૂપના શરણે આવવાનું કહ્યું છે !!!


નિજ સ્વરૂપનું અજ્ઞાન એ જ ભ્રાંતિ ને એ જ માયા. ‘પોતે જે નથી’ તેની કલ્પના થાય તેનું નામ ભ્રાંતિ ! જે શબ્દપ્રયોગ નથી, અનુભવપ્રયોગ છે એવા નિજ સ્વરૂપને જાણવાનું છે. મૂળ વાતને સમજવાની છે. સમજણથી જ મોક્ષ છે. સંયોગોના દબાણથી ભ્રાંતિ ઉત્પન્ન થઇ. ખરેખર આત્માને ભ્રાંતિ નથી, આત્મા ગુનેગાર નથી. અજ્ઞાનતાથી ગુનેગાર ભાસે છે.


સંપૂર્ણ જ્ઞાની છૂપા ના રહે. પોતે જે સુખ પામ્યા તેની જગતને લહાણી કરવા જગતની સાથે જ રહે. મુમુક્ષુ તો ‘જ્ઞાની’ના નેત્ર જોઇને જ પારખી લે.


કોઇ ગાળ ભાંડે, ખિસ્સું કાપે, હાથ કાપે, કાન કાપે તો ય રાગદ્વેષ ના થાય, જયાં અહંકાર ને મમતા નથી ત્યાં ચૈતન્ય સત્તાનો અનુભવ છે એમ સમજાય ! પેરાલીસીસમાં ય આત્મસુખ ના જાય; દુઃખને સુખ કરી આપે તે આત્માનુભવ. ‘હું કોણ છું’નું ભાન થાય ત્યારે આત્માનુભવ થાય. ‘થીયરેટિકલ’ એટલે સમજ અને અનુભવ એ તો ‘પ્રેક્ટિકલ’ વસ્તુ છે. અક્રમમાર્ગે આત્માનુભવ એક કલાકમાં જ થઇ જાય છે !!! નહીં તો એનું કરોડો અવતારે ય લાખ સાધના કર્યાથી ય ઠેકાણું ના પડે !!! આત્માનું લક્ષ નિરતંર રહે એ જ આત્માસાક્ષાત્કાર. હર્ષ-શોકના ગમ્મે તે સંજોગોમાં હાજર રહી સેફ સાઇડમાં રાખે તેનું નામ જ્ઞાન…..


જીત  રાણા. Join Best Mailing Group *~*Kute_Group*~*

Advertisements

About સાહિલ ચૌહાણ

સાહિલ એટલે કિનારો.........
This entry was posted in વિચાર્. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s